ફીરકી પકડવાની કળા

લેખનું શિર્ષક વાંચીને તમને કદાચ એવું થતું હશે કે વળી આ ફીરકી પકડવામાં કળા જેવું શું છે ,  એ તો બસ હાથમાં પકડી રાખવાની હોય ને જરૂર પડ્યે વીંટવાની હોય . પણ મિત્રો ખરેખરમાં એવું નથી . ફીરકી પકડવી એ પણ એક આવડતનો વિષય છે . એટલે જ આ લેખ ઉત્તરાયણ વખતે ફીરકી પકડનાર વ્યક્તિઓ ને અર્પણ છે .

ઉત્તરાયણમાં કોઈ પેચ કરી સામે વાળા નો પતંગ કાપે તો બધો શ્રેય પતંગ ચગાવવા વાળા ને મળે છે , પરંતુ એમાં ફીરકી પકડવા વાળી વ્યક્તિ નો પણ એટલો જ ભાગ હોય છે જેટલો પતંગ ચગાવનાર વ્યક્તિનો .

ફીરકી પકડવા માટે તમારે ઘણી બાબતો ધ્યાન માં રાખવી પડે છે. જેમકે , પતંગ ચગાવવા વાળી વ્યક્તિ ડાબોડી કે જમોડી હોય તો એ પ્રમાણે તેની કઈ બાજુ ઉભા રેહવું , એક હાથે કે પછી બે હાથે ફીરકી પકડવી , જરૂર પ્રમાણે દોરી આવવા દેવી , જરૂર પ્રમાણે દોરી વીંટવી , જો પેચ ચાલુ હોય ને પતંગ ચગાવવા વાળી વ્યક્તિ દોરી ખેંચતી હોય ત્યારે નીચે ગુંચ ના પડે એનું ધ્યાન રાખવું , પતંગ ચગાવનાર વ્યક્તિના ઉત્સાહ માં વધારો કરવા તેને પ્રોત્સાહન આપવું વગેરે વગેરે….

જો તમે ઉત્તરાયણ વખતે પતંગ ચગાવતા હોવ અને તમારી ફીરકી બીજું કોઈ પકડતું હોય , જે ફીરકી પકડવાની કળામાં માહેર હોય , તો તમારા ધ્યાન બહાર એ વ્યક્તિ ઉપરોક્ત તમામ બાબતો નું ધ્યાન રાખતી હશે ને તમને કોઈ તકલીફ નહિ પાડવા દેતી હોય , તો આ લેખ વાંચ્યા બાદ એમનો આભાર વ્યક્ત કરજો .

અને એટલે જ છેલ્લે એટલું કહીશ કે :

જો પતંગબાજ હોય કમાલ ,

ફીરકી પકડનાર હોય બેમિસાલ ,

તો આકાશે મચી જાય ધમાલ .

Advertisements

મારી પ્રથમ કવિતા

આમ તો નામ પરથી જ ખબર પડી જાય કે મારો આ લેખ મારી લખેલી પ્રથમ કવિતા પર છે . જેમણે મારો પ્રથમ લેખ ” મારી લખવાની શરૂઆત ” વાંચ્યો હશે તેમને તો ખબર હશે કે મેં ૮ માં ધોરણ માં મારા દાદા ની મદદ વડે એક કવિતા લખેલી, તો હું અહી એ જ કવિતા ની વાત કરવા જઇ રહ્યો છું.

મારા એ કાવ્ય નું નામ હતું ” મારા બાંધેલા પતંગ ” .  આ કાવ્ય માં મેં પતંગના રૂપક વડે માનવ જીવન ના ચઢાવ – ઉતાર દર્શાવ્યા હતા . પતંગ જેમ છેલ્લે સુધી ઝઝૂમતો રહે છે તેમ માનવીએ પણ પોતાના દુઃખો અને મુસીબતો સામે પોતાના છેલ્લા શ્વાસ સુધી લડીને તેમને દૂર કરવા પ્રયત્નો કરવા જોઈએ .માનવી એ પતંગ ની જેમ પોતાના જીવન માં જ્યાં સુધી બને ત્યાં સુધી ઊપર ઉઠવા પ્રયત્ન કરવો જોઈએ અને વગેરે વગેરે .

બસ આરીતે મેં આ કાવ્ય ની રચના પતંગ અને માનવ જીવનની સરખામણી દ્વારા કરી હતી . જો કે હાલ તો આ કવિતા મેં જે ડાયરીમાં લખેલી એ મળતી નથી , કદાચ ક્યાંક અવળે હાથે મૂકી ગઈ હશે .અને એટલેજ આ લેખ લખવાના બે કારણો પૈકી નું આ એક કારણ છે . બીજું કારણ ઉત્તરાયણ નજીક છે ને હું એના રંગ માં છું એ છે .

અને છેલ્લે છેલ્લે મારી આ પ્રથમ કવિતા ની પ્રથમ પંક્તિ કે જે મને થોડી થોડી યાદ છે:
મારા બાંધેલા પતંગ ગગનમાં તું ઝૂમ ,
અને પેલા આપણાં દાદા સૂરજને તું ચૂમ .

2012 માં તમારા માટે :

January જોરદાર રહે ,
February માં ફાયદો રહે ,
March મસ્ત રહે ,
April અફલાતુન રહે ,
May મઝાનો રહે ,
June જબરદસ્ત રહે ,
July માં જલસા રહે ,
August આનંદદાયી રહે ,
September સુંદર રહે ,
October આફરીન રહે ,
November નસીબદાર રહે ,
December મારા જેવા દોસ્તોની સાથે દમદાર રહે …!!

મારી લખવાની શરૂઆત

આમ તો મને લખવાનો કોઈ શોખ કે ઈચ્છા હતા નહિ પણ અહી આ વાંચનારા તો જાણતા જ હશે કે આ વસ્તુ પર આપડો કાબુ હોતો નથી . મનની અંદર જ નવા નવા વિચારો જન્મ્યા કરે છે જે પછીથી વ્યવસ્થિત રૂપ લઈને કોઈ ગદ્ય કે પદ્ય માં પરિણમે છે. મારી વાત છે ત્યાં સુધી કહું તો હું ૮ માં ધોરણમાં હતો ત્યારે મેં મારા દાદાની મદદથી એક કવિતા લખી હતી . પણ ત્યાર પછી કોઈ રસ કે પ્રોત્સાહનના અભાવે હું આગળ વધ્યો નહી . હવે શાળાનો અભ્યાસ પૂર્ણ થયા પછી ને ઈજનેરી શાખામાં પ્રવેશ પછી મારી અંદરનો વિચારક સળવળ્યો ને મને જુદી જુદી બાબતના વિચારો આવવા લાગ્યા પણ હું એમને નક્કર સ્વરૂપ આપતો નહિ ને પછી મોડા ફુરસદના સમયમાં લખવા બેસું તો સાલું કઈ સુઝે નહી . આ જ વાત મેં મારા મિત્ર વિરાજને કરી તો એણે મને એવો ઉપાય સૂચવ્યો કે મારે પણ તેની જેમ મનમાં આવતા વિચારોને તરત જ જે મળે એમાં ઉતારી લેવા ( હાજર એ હથીયાર !!). જેમકે મોબાઈલ ફોનમાં નોટ્સ માં કે પછી ગમે તે કાગળ મળે તેમા લખી લેવું જોઈએ. આ વિચાર મને ગમ્યો ને ત્યારથી જ મેં તેનો અમલ કરી દીધો . અને ત્યારથી મારી લખવાની બીજી શરૂઆત થઇ છે. હવે જોઈએ કે આમાં હું ક્યાં સુધી આગળ વધી શકું છું . તમારા જેવા વાચકોના સહકાર ની અપેક્ષા સાથે વિરમું છું .